રંગભૂમિ અને મોટા પડદા પર પોતાની જબરજસ્ત હાજરી નોંધાવ્યા બાદ ગુજરાતી મનોરંજન જગતના કલાકાર હવે ડિજીટલ સ્કાય ઉપર પણ પોતાની છાપ છોડી રહ્યાં છે. પાછલા કેટલાક વર્ષોમાં માત્ર શ્રેષ્ઠ ફિલ્મો જ નહીં, પરંતુ કેટલીક વેબ સીરીઝ પણ સામે આવી છે, જે ડિજીટલ પ્લેટફોર્મ પર ખુબ ધૂમ મચાવી રહી છે. જેમાંથી કેટલીક શ્રેષ્ઠ વેબ સીરીઝ પસંદ કરીને અમે અહીં તમારા માટે લાવ્યા છીએ : –

ટિનિયાગીરી એક સંસ્કારી સેક્સ વેબ
2017માં લોન્ચ થયેલી ગુજરાતી વેબસિરીઝ ‘ટિનિયાગીરી એક સંસ્કારી સેક્સ વેબ’ એક અલગ જ વિષય પર આધારિત છે, જેને ‘અમે આવા છીએ’ બેનર હેઠળ યશ સોની, નિસર્ગ ત્રિવેદી પર ફિલ્માંકન કરાઈ છે. સિરીઝમાં યશ સોનીએ 26 વર્ષના કુંવારા યુવાનની ભૂમિકા ભજવી છે. લગ્ન પહેલાં આપણા હીરો ટિનિયાને સેક્સ વિષયક કોઈ જ માહિતી નથી, જે અંગે તે પોતાના પિતા અને મિત્રો પાસેથી આ વિશે સલાહ લે છે. યશ સોની અને નેત્રી ત્રિવેદીની જોડી ફિલ્મ ‘છેલ્લા દિવસ’ બાદ આ વેબસિરીઝમાં ભરપૂર મનોરંજન પીરસ્યું છે.
બસ ચા સુધી
આસ્થા પ્રોડક્શન બેનર તળે નિર્મિત ભૂમિકા બ્રહ્મભટ્ટ અને RJ રૂહાન અભિનિત, પ્રિયલ પટેલ નિર્દેશિત વેબસિરીઝ બસ ચા સુધી, જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી, શું આ એક રોમેન્ટિક વાર્તા છે. ના…ના… આ વાર્તામાં એક છોકરો એક છોકરીને અચાનક ઓનલાઈન ચેટમાં મળે છે. બાદમાં રૂબરૂ મુલાકાતોનો દોર શરૂ થાય છે. બંને વચ્ચે સારા સંબંધોની શરૂઆત થાય છે. આ વેબસિરીઝની વાર્તા અને સંવાદ હૃદયસ્પર્શી છે. રૂહાન અને ભૂમિકાની જોડીનું ટ્યૂનિંગ કાબિલેતારીફ છે. સંદીપ દવેનું લેખન અને બંને કલાકારોના હાવભાવ આ વેબસિરીઝને ચાર ચાંદ લગાવે છે.
Non-Alcoholic Breakup
ગ્લાસ અવર બેનર હેઠળ નિર્મિત આરોહી પટેલ, તત્સત મુન્શી અભિનિત ગુજરાતી વેબસિરીઝ Non-Alcoholic Breakup વર્તમાન પ્રેમસંબંધો પર એક સુંદર સંવાદ છે. શૈલી નામનો યુવક અને તેના મિત્ર આસપાસ વાર્તા વિંટળાયેલી છે. આ મિત્રનો જ્યારે બ્રેકઅપ થાય છે, ત્યારે તે શૈલી પાસે આવીને પોતાની વાત સંભળાવે છે. એક પરિપક્વ મિત્રનાં નાતે શૈલી પ્રેમની એક અલગ પરિભાષા દર્શાવે છે. આ વાર્તા દિલચસ્પ અને મનોરંજનથી ભરપૂર છે. અંકિત ગોર નિર્મિત વેબસિરીઝ Non-Alcoholic Breakup જોવા અને માણવા લાયક વેબસિરીઝ છે.
Do Not Disturb
મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ અભિનિત, સંદીપ પટેલ નિર્દેશિત ગુજરાતી વેબસિરીઝ Do Not Disturb પતિ-પત્ની વચ્ચે બંધ દરવાજા પાછળ અને બેડરૂમની વાતો પર આધારિત છે. માનસી પારેખ ગોહિલ આ પહેલા સુમિત સંભાળી લેશેમાં પણ આ જ પ્રકારનો અભિનય કરી ચૂક્યાં છે, પરંતુ મલ્હાર ઠાકર અને માનસી પારેખની જોડી અને વેબસિરીઝના સંવાદો કંઈ નવું લઈને આવી રહ્યા છે. રોમેન્ટિક કપલ વચ્ચેની પારિવારિક વાતો, ફરિયાદ અને ઝઘડાના કારણે કેવી ખેંચતાણ સર્જાય છે એ આ વેબસિરીઝમાં સુંદર રીતે દર્શાવાયું છે. મલ્હાર ઠાકરનું પાત્ર આ વેબસિરીઝમાં અત્યાર સુધી તેણે કરેલા અભિનય કરતાં અલગ છે.