બોલિવૂડની “પાણીપત” માં દમદાર કિરદારમાં જોવા મળશે ગુજરાતી કલાકાર પરેશ શુક્લ

0
8820

ગુજરાતના નામાંકિત અને સિનિયર કલાકાર પરેશ શુક્લ બોલિવૂડના જાણીતા દિગ્દર્શક આશુતોષ ગોવારીકરની આગામી ફિલ્મ “પાણીપત” માં એક દમદાર ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતના જાણીતા કલાકાર પરેશ શુક્લ ડ્રામા ડીપ્લોમાંના અભ્યાસ બાદ ગુજરાતી તખ્તાના પ્રખ્યાત દિગ્દર્શક અને અભિનેતા સ્વ નિમેષ દેસાઈ, પી તુષાર, નીલમ ગામડિયા, દિલીપ ગઢવી, અને દેવેન્દ્ર શાહના નાટકોમાં કામ કર્યા ઊપરાંત, અમદાવાદની પ્રખ્યાત નાટ્ય સંસ્થા અર્પણ, રમેશ અમીનના અનેક નાટકોના સંખ્યાબંધ નાટકોમાં વર્ષો સુધી અભિનયના ઓજસ પાથર્યા છે. આ ઊપરાંત દુરદર્શન અને અન્ય ટીવી ચેનલોની ઘણી બધી ટીવી સિરિયલ, ટેલી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો તેમજ અનેક જાહેરાતો અને એડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

નવેમ્બર 2018 થી સપ્ટેમ્બર 2019 સુધી કંઈ કેટલાય શૂટિંગ શિડયુલ અને લખલૂંટ ખર્ચે નિર્માણ પામેલી, સુનિતા ગોવારીકર અને રોહિત શેલતકર નિર્મિત અને ઐતિહાસિક ફિલ્મોના મહારથી અને લગાન, સ્વદેશ, જોધા અકબર જેવી ફિલ્મોના સંવેદનશીલ અને પ્રતિભાશાળી દિગ્દર્શક આશુતોષ ગોવારીકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ પાણીપત તારીખ 6 ડિસેમ્બર 2019 ના રોજ રિલીઝ થઈ રહી છે.

આપણા અમદાવાદના રંગભૂમિ, ટીવી તેમજ ફિલ્મોના સિનિયર કલાકાર  પરેશ શુક્લ, આ ફિલ્મમાં સદાશિવ રાવ પેશ્વાના સેનાપતિઓમાંના એક સેનાપતિ “ગોવિંદ પંત બુંદેલે” નું પાત્ર ભજવી રહ્યા છે.

પરેશ શુક્લ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘કંઈ કેટલાય ઓડિશન સ્ક્રીન ટેસ્ટ અને લૂક ટેસ્ટ પછી કરેલી કલાકારોની ચયન પ્રક્રીયા બાદ સીલેક્ટ થવું અને આ ભવ્ય ફિલ્મનો હિસ્સો બનવું એ મારા માટે ખૂબ સૌભાગ્ય, ખુશી અને ગર્વની બાબત છે. ખાસ તો દિગ્દર્શક આશુતોષ ગોવારીકર સાથે કામ કરવું, અને સાથે કામ કરવાની તક મળવી , એ જીવનની મોટી ઉપલબ્ધિ છે.’

ભારતના ભાગ્યનું કંઈક અલગ જ નિર્માણ કરનાર અને એક જ દિવસમાં ઈતિહાસ બદલી નાખનાર યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ પાણીપત મરાઠાઓના મજબૂત મનોબળ, લોખંડી તાકાત, અપ્રતિમ હિંમત, પ્રખર દેશ દાઝ, વિચક્ષણ યુદ્ધ કૌશલ્ય અને માતૃભૂમિ માટે જાનની બાજી લગાવી દેવાના ઝનુનનું તાદ્રશ્ય નિરુપણ કરે છે. કલા નિર્દેશક નિતીન દેસાઈના ભવ્ય સેટ મરાઠાના ભવ્ય વારસાને રૂપેરી પરદે તાદ્રશ્ય રજૂ કરે છે.

તે સમયના વાસ્તવિક અને ઓથેન્ટિક કોસ્ચ્યુમ, હાથી, ઘોડા, યુદ્ધ છાવણી, અસ્ત્ર, શસ્ત્ર, તલવાર,  ભાલા, તોપ વગેરેથી પાણીપતના યુદ્ધને આબેહૂબ રજૂ કરતી આ ફિલ્મમાં અભિનય આપ્યો છે અર્જુન કપુર, ક્રિતિ સેનન, સંજય દત્ત, મોહનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે, ઝીન્નત અમાન ,કુણાલ કપૂર (શશી કપૂરના પુત્ર) ઉપરાંત અન્ય યોદ્ધાઓમાં રવિન્દ્ર મહાજની, જ્ઞાનેશ વાડેકર, ગશ્મીર મહાજની, મિલીંદ ગુણાજી, જેવા કલાકારો સાથે આ કલાકારે ખૂબ સુંદર કાર્ય કરી એક અલગ જ ભૂમિકા ભજવેલ છે.

આવા મોટા ગજાના કલાકારો સાથેની મોટા બેનરની ફિલ્મમાં રોલ કરવાની તક મળી છે એ બદલ પરેશ શુક્લને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here